X

Bahuchar Bavni Gujarati Lyrics – શ્રી બહુચર બાવની Lyrics

જય બળધારી બહુચર માત, સચરાચરમાં તારો વાસ.
મહિમા તારો અપરંપાર, ગુણલા ગાતાં નર ને નાર.
દંઢાસુરનો કીધો નાશ, શંખલપુરમાં કીધો વાસ.
બાળા રૂપે વસિયાં માત, વાયુ વેગે થઈ વિખ્યાત.
બેઠી મા તું ચુંવાળ ચોક, દર્શને આવે જગના લોક.
સોલંકીને કીધી સહાય, એક પલકમાં પકડી બાંય.
નારીનો તેં કીધો નર, નામ કીધું જગમાં અમર.
મોગલ આવ્યા ચોક ચુંવાળ, મરઘાનો કીધો આહાર.
મધરાતે મેં કીધો પોકાર, પેટ ફાડીને આવ્યાં બહાર.
મોગલ મરિયા ત્યાં તત્કાળ, કૂકડા રમતા માની પાળ.
ગોવાળોના બાળ રમે, કુલડીમાંથી કટક જમે.
એવી તારી લીલા માત, વેદ પુરાણે જાણી વાત.
વલ્લભ ભટ્ટને જાણી દાસ, સન્મુખ આવી આપોઆપ.
આનંદના ગરબાની સાથ, વાણીમાં તેં કીધો વાસ.
શ્રીજી બાવા રાજાધિરાજ, ભટ્ટજી ગયાં દર્શનને કાજ.
નિજમંદિરનાં ખુલ્લાં દ્વાર, ભટ્ટ બોલ્યા જય બહુચર માત.
વૈષ્ણવોને ચહ્યો છે કાળ, ભટ્ટજીને માર્યો છે માર.

સત્તાધીશે પકડ્યા ત્યાંય, ભટ્ટજીને પૂર્યા કારાવાસ.
મધ્યરાત્રીએ આવી માત, બાળક પર ફેરવતી હાથ.
સાથે છે ભોજનનો થાળ, જમો તમે લાડીલા બાળ.
ભટ્ટજી કહે ના ખાવું અન્ન, પાળો મારું એક વચન.
મન મારું ત્યારે હરખાય, શ્રીજી મા રૂપે દેખાય.
માએ ત્યાં દીધું વચન, મંદિરમાં સૌ જુએ જન.
શ્રીજી બનિયા માં સ્વરૂપ, ધર્યું એવું અનુપમ રૂપ.
ચૂંદડી ઓઢી છે મસ્તક, નાકે છે મોતીની નથ.
બહુચર માનો જય જયકાર, ભટ્ટજીને આનંદ અપાર.
મેવાડાની છે મોટી નાત, ભટ્ટજીનો કીધો ઉપહાસ.
આવો નિત્ય જમવા કાજ, તમે જમાડો બ્રાહ્મણી નાત.
ભટ્ટજીને જ્યાં મહેણું દે, મા બહુચરની બોલ્યાં છે.
સત્તરસો બત્રીસની સાલ, માગશર સુદ બીજને વાર.
બહુચરમાના નામે કરી, નોંતરા સૌને દીધાં ફરી.
રસ રોટલીની મારી નાત, સ્વીકારી ભટ્ટજીએ વાત.
ઘેર આવીને ફિકર પડી, આ તો આફત આવી પડી.
વલ્લભ ભટ્ટ ને ધોળા સાથ, લીધી દૂધેશ્વરની વાટ,
જ્ઞાતિજન થાતાં તૈયાર, આવ્યા નવાપુરાને દ્વાર.
નાત તણી તૈયારી નહિ, વાતો કરતાં માંહોમાંહી.

પાખંડીની કેવી ચાલ, એવું બોલે નર ને નાર.
મધ્યાહ્નની જ્યાં થઈ છે ઘડી, બહુચરમાને ફિકર પડી.
વલ્લભ રૂપે બહુચરમાત, ધોળા રૂપે નારસંગ સાથ.
આવ્યાં નવાપુરાને દ્વાર, સામગ્રી કીધી તૈયાર.
વિસ્મય પામી સૌએ જન, ભટ્ટજીએ પાળ્યું વચન.
રસ રોટલી કીધી તૈયાર, જમવા આવે નર ને નાર.
બહુચર મા છે પૂરણ કામ, ભટ્ટજીની વધારી શાન.
ચુંવાળના એ પુનિત ધામ, મા બહુચરનો એ મુકામ.
વિલોચનનું દુઃખ હર્યું, જ્યાં માજીનું ધ્યાન ધર્યું.
ધન સંપત પ્રેમે દીધી, મન વાંછના ત્યાં પૂરી કીધી.
યદુરામની સેવા ઘણી, માએ જોયું તેના ભણી.
પુત્ર લગનમાં આવ્યાં માત, પૂરણ કીધી એની આશ.
કંઈ ભક્તોનાં કરિયાં કામ, નવખંડ ગાજે એનું નામ.
બહુચર મા છે દીનદયાળ, નિજભક્તોની છે રખવાળ.
બહુચર ગાથા જે જન ગાય, દુઃખ નિવારણ તેનું થાય.
બાળ થઈ જે થાયે દાસ, બહુચર પૂરે એની આશ.

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.