X

Jal Kamal Chhandi Jane Bala Lyrics | Lalita Ghodadra, Karsan Sagathia | Narsinh Mehta Na Prabhatiya

જળકમળ છાંડી જાને બાળા સ્વામી અમારો જાગશે
જાગશે તને મારશે મુને બાળ હત્યા લાગશે
જળકમળ છાંડી જાને બાળા

કાં તો બાળક તું મારગ ભૂલ્યો કાં તારા વેરીએ વળાવીયો
નિશ્ચય તારો કાળ જ ખૂટ્યો અહીંયા તે શીદ આવીયો
જળકમળ છાંડી જાને બાળા

નથી નાગણ હું મારગ ભૂલ્યો નથી મારા વેરીએ વળાવીયો
મથુરા નગરીમાં જુગટુ રમતાં નાગનું શીશ હારીયો
જળકમળ છાંડી જાને બાળા

રંગે રૂડો રૂપે પુરો દિસંત કોડિલો કોડામણો
તારી માતાએ કેટલા જનમ્યાં તેમાં તું અળખામણો
જળકમળ છાંડી જાને બાળા

મારી માતાએ બેઉ જનમ્યાં તેમાં હું નટવર નાનુંડો
જગાડ તારા નાગને મારું નામ કૃષ્ણ કાનુડો
જળકમળ છાંડી જાને બાળા

લાખ સવાનો મારો હાર આપું આપું હું તુજને દોરીયો
એટલી મારા નાગથી છાની કરવી ઘરમાં ચોરીયો
જળકમળ છાંડી જાને બાળા

શું કરું નાગણ હાર તારો શું કરું તારો દોરીયો
શાને કાજે નાગણ તારે કરવી ઘરમાં ચોરીયો
જળકમળ છાંડી જાને બાળા

ચરણ ચાંપી મૂછ મરડી નાગણે નાગ જગાડિયો
ઉઠોને બળવંત કોઇ બારણે બાળક આવીયો
જળકમળ છાંડી જાને બાળા

બેઉ બળિયા બાથે વળગ્યાં કૃષ્ણ કાળીનાગ નાથિયો
સહસ્ત્ર ફેણ ફુંફવે જેમ ગગન ગાજે હાથિયો
જળકમળ છાંડી જાને બાળા

નાગણ સૌ વિલાપ કરે છે નાગને બહુ દુ:ખ આપશે
મથુરા નગરીમાં લઇ જશે પછી નાગનું શીશ કાપશે
જળકમળ છાંડી જાને બાળા

બેઉ કર જોડી વિનવે સ્વામી મુકો અમારા કંથને
અમે અપરાધી કાંઇ ન સમજ્યાં ન ઓળખ્યાં ભગવંતને
જળકમળ છાંડી જાને બાળા

થાળ ભરીને સર્વે મોતીડે શ્રીકૃષ્ણને વધાવિયો
નરસૈંયાના નાથ પાસેથી નાગણે નાગને છોડાવીયો
જળકમળ છાંડી જાને બાળા
જળકમળ છાંડી જાને બાળા
જળકમળ છાંડી જાને બાળા
જળકમળ છાંડી જાને બાળા
જળકમળ છાંડી જાને બાળા.

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.