Home » Gujarati Duha Lyrics

Gujarati Duha Lyrics

‘‘ભલ ઘોડા ભલ વંકડા, ભલ બાંધો હથિયાર;

ઝાઝાં ઘોડે ઝીંકવાં, મરવું એક જ વાર.’’

અહીં પિંગલના આદેશ પ્રમાણેની માત્રાઓ મળી રહે છે. છતાં એ નોંધવું આવશ્યક છે કે લોકવાણીની કંઈક વિલક્ષણ અને પ્રવાહી ઉચ્ચારણપદ્ધતિને કારણે એકાદ માત્રાની છૂટછાટ દુહાના કલેવરમાં અત્રતત્ર જોવા મળે. લોકકથાના પ્રસંગ વર્ણવતા કેટલાક દુહા રસદીપ્તિ સાથે વસ્તુસંકલનાના સ્તંભ પણ બને છે; દા. ત.,

‘‘વરસ વળ્યાં વાદળ વળ્યાં, ધરતી લીલાણી;

એક વિજાણંદને કારણે, શેણી સુકાણી.’’

શેણી-વિજાણંદની કથાનો આ દુહો કથાવસ્તુ સૂચિત કરવા ઉપરાંત દુષ્કાળ પૂરો થયો, અભરે મેહ વરસ્યા, ધરતી લીલીછમ બની છતાંય વિજાણંદને વિજોગે શેણી તો બળી રહી છે (વિજાર્ણંદ  આવ્યો નહિ તેથી), એવો વિપ્રલંભ શૃંગાર પણ ધ્વનિત કરે છે.

 

‘‘ડુંગરિયા હરિયા હુવા, ચાવો થયો ચકોર;

તે રત ત્રણ જણ સંચરે, ચાકર માગણ ચોર.’’

‘લોકકવિએ ‘દુહો દશમો વેદ’ એમ કહ્યું છે. દુહાઓમાં શૃંગાર ઉપરાંત શૌર્ય, ત્યાગ, નીતિ, બલિદાન, ભક્તિ તથા અન્ય વિવિધ વિષયો ચોટદાર રીતે રજૂ થાય છે, તે જોતાં આ કથન યથાર્થ લાગે છે.

 

‘‘ધણ ધરતી પગ પાગડે, અરિયાં તણો ગરડ્ડ;

હજૂ ન છોડે સાહેબો, મૂછો તણો મરડ્ડ’’

– આવાં વીરરસનાં દ્યોતક અનેક પાણીદાર મુક્તકો મળે છે.

 

‘‘મોતી ભાંગ્યું વીંધતાં, મન ભાંગ્યું કવેણ;

તાજી ભાંગ્યો તોળતાં, (એને) સાંધો ન કે રેણ.’’

વીંધતાં ભાંગી ગયેલું મોતી, કડવાં વેણથી ભાંગેલું હૃદય અને પલોટતાં ભાંગી પડેલો ઘોડો એ ત્રણ એક વાર ભાંગ્યા પછી ફરી સાંધી શકાતાં નથી.

દુહાના પ્રકાર : રચનાકૌશલ્યની ર્દષ્ટિએ દુહાના કેટલાક પ્રકાર ગણવામાં આવ્યા છે. તેમાં ખોડો દુહો ધ્યાનપાત્ર બને છે :

 

‘‘એ ચારે ચંચળ ભલાં, નૃપ પંડિત ગજ તૂરી,

(પણ) ચંચળ નાર બૂરી.’’

સૂક્તિઓ કે કહેવતોમાં ક્વચિત્ આવી લઢણ જોવા મળે છે.

 

ઝવેરચંદ મેઘાણીએ છ પંક્તિવાળા ‘છક્કડિયા’ને દોઢિયા દુહા તરીકે ગણાવ્યા છે. તેનો નમૂનો :

‘‘સાજન સપને આવિયાં, ઉરે ભરાવી બાથ;

જાગીને જોઉં (ત્યાં) જાતાં રિયાં, પલંગે પછાડું હાથ.

પલંગે પછાડું હાથ ને કાંઈ ન ભાળું,

વા’લાં સાજણ સાટુ ખોબલે આંસુ ઢાળું.

આદર્યાં કામ તે અધવચ રિયાં,

જાગીને જોઉં ત્યાં સાજન જાતાં રિયાં.’’

માત્રિક છંદની ર્દષ્ટિએ તપાસતાં પહેલી બે પંક્તિ દુહાનું માપ, લગભગ સાચવે છે. તે પછી માપ ખોડંગાય છે. લય બદલાઈ જાય છે. છતાં આ છક્કડિયા હોળી વખતે ખેડૂતો તેમજ ગોવાળો (ગામના ચુનંદા દુહાગીરો) સામસામા પક્ષ બાંધી ગાય છે તે કારણે મેઘાણી તેમને દોઢિયા દુહા તરીકે ઓળખાવે છે. તેવા દરેક છક્કડિયાને તેઓ ‘લિરિક’ ગણે છે.

પિંગલની ર્દષ્ટિએ વિચારતાં સ્થૂળ રીતે એટલું કહી શકાય કે, પ્રારંભિક દ્વિદલના ચોથા ચરણને ઉલટાવવાની કુંડળિયા તથા ચંદ્રાવળા છંદની પદ્ધતિ આ છક્કડિયામાં જોવા મળે છે. એ ઊથલો કથાનકને અસરકારક બનાવતો હોય એમ લાગે છે.

ગિરનારનો રામનવમીનો મેળો લોકવાણીની ગાનસ્પર્ધાનો પોષક બન્યો છે. ત્યાં સામસામી હોડ બાંધીને દુહા-છક્કડિયા ગવાય છે; અને જૂની લોકવાણી ખૂટે ત્યારે શીઘ્રરચના આપમેળે થઈ જતી હોય છે. સૌરાષ્ટ્ર(સોરઠ)ની ભૂમિ આ રીતે પરંપરાથી દુહાપ્રધાન લોકવાણીનું પ્રભાવક કેન્દ્ર છે એમ કહી શકાય.



Scroll to Top