Home » Ek Tari Kalpna Lyricsએક તારી કલ્પના – મરીઝ

Ek Tari Kalpna Lyricsએક તારી કલ્પના – મરીઝ

એક તારી કલ્પના જે જીગર બાળતી રહી,
એક મારી વાસ્તવિકતા કે જાણે નથી રહી.

એક હું કે શોષતી રહી મારી કલા મને,
એક તું કે સૌ કલા તને શણગારતી રહી.

એક હું મારો પ્રેમ ન તારા વિના ટકે,
એક તું કે તારી રૂપપ્રભા એકલી રહી.

એક હું કે કોઇ વાત બરાબર ન કહી શકું,
એક તું કે તારી આંખ બધું બોલતી રહી.
એક હું કે કોણ મારી કવિતાને દાદ દે?
એક તું કે તારી વાત સભા સાંભળતી રહી.

એક તું કે તારી આંખને જોતું રહ્યું જગત,
એક હું કે મારી આંખ જગત પર ભમી રહી.

એક તું કે તારા હાથમાં દુનીયાની આબરૂ,
એક હું કે મારી આબરૂ મારા સુધી રહી.

એક તારો આશરો જે મળે છે કદી કદી,
એક દિલનું દર્દ છે જે ઊઠે છે રહી રહી.

એક તારું સાંત્વન કે હજારો ‘મરિઝ’ને,
એક મારી વેદના જે દવા શોધતી રહી.



Scroll to Top