જમોને જમાડું રે જીવન મારા,
હરિ રંગમાં રમાડું રે, જીવન મારા꠶ ૧
વા’લાજી મારા સોનાનો થાળ મંગાવું,
મોતીડે વધાવું રે, જીવન મારા꠶ ૨
વા’લાજી મારા ઘેબર જલેબી ને લાડુ,
જમો ને થાય ટાઢું રે, જીવન મારા ૩
વા’લાજી મારા ગૌરીનાં ઘૃત મંગાવું,
માંહી સાકર નંખાવું રે, જીવન મારા꠶ ૪
વા’લાજી મારા દૂધ કઢેલાં ભલી ભાતે,
જમો ને આવી ખાંતે રે, જીવન મારા꠶ ૫
વા’લાજી મારા પાપડ પતાસાં ને પોળી,
જમો ને ગળી મોળી રે, જીવન મારા꠶ ૬
વા’લાજી મારા તુવેરની દાળ ચઢી ભારે,
વિશેષે વઘારી રે, જીવન મારા꠶ ૭
વા’લાજી મારા કઢી કરી છે બહુ સારી,
જમો ને ગિરધારી રે, જીવન મારા꠶ ૮
વા’લાજી મારા આદાં કેરીનાં અથાણાં,
છે વાલ ને વટાણા રે, જીવન મારા꠶ ૯
વા’લાજી મારા જે જે જોઈએ તે માગી લેજો,
ખારું ને મોળું કહેજો રે, જીવન મારા꠶ ૧૦
વા’લાજી મારા જળ રે જમુનાની ભરી ઝારી,
ઊભા છે બ્રહ્મચારી રે, જીવન મારા꠶ ૧૧
વા’લાજી મારા લવિંગ સોપારી તજ તાજાં,
જમો ને લાવું ઝાઝાં રે, જીવન મારા꠶ ૧૨
વા’લાજી મારા પ્રેમાનંદના સ્વામી,
છો અંતરયામી રે, જીવન મારા꠶ ૧૩