ગોકુળિયે ગામ નહી આવું
એકવાર શ્યામ તમે રાધાને કહી દો કે
ગોકુળિયે ગામ નહી આવું રે
જમુનાનાં વ્હેણમાંથી પાણી લઈ મૂકો કે
મુરલીની તાન નહીં લાવું રે
ગોકુળિયે ગામ નહીં આવું રે
જમુનાનાં તીરે તમે ઊભા તો એમ જાણે
ઊભો કદંબનો ઘાટ
લીલેરી લાગણીઓ ક્યાંય ગઈ
અધૂરી રઈ ગઈ વેદનાની વાટ
ફૂલની સુવાસ તણા સૌગંધ લઈ કહી દો કે
શમણાંને સાદ નહી આવું [3]
ગોકુળિયે ગામ નહીં આવું રે
આટલી અધીરતા જવામાં કેમ
જરા એક નજર ગાયો પર નાખો
આખરી વાર તો કોઈ મટુકીમાં બોળીને
આંગળીનું માખણ તો ચાખો
એકવાર નીરખીને ગામ પછી કહી દો કે
પાંપણને પાન મહી આવું રે
ગોકુળિયે ગામ નહીં આવું રે