મા, તું પાવાની પટરાણી
મા, તું પાવાની પટરાણી કે, કાળી કાલિકા રે લોલ.
મા, તારો ડુંગરડે છે વાસ કે, ચડવું, દોહ્યલું રે લોલ.
મા, તારો મંડપની શોભાય કે, મુખથી શી કહું રે લોલ.
મા,ત્યાં તપ કરતા દીઠા કે, વિશ્વા મિત્ર ઋષિ રે લોલ.
મા, તારા ડાબાજમણા કુંડ કે, ગંગાજમના સરસ્વતી રે લોલ.
મા,તારાં કૂકડિયાં દશવીશ કે, કોઈ રણમાં ચઢે રે લોલ.
લીધાં ખડ્ગ ને ત્રિશૂલ કે, અસુરને મારિયો રે લોલ.
ફાટી ઉદર નીકળ્યામ્ ભાર કે, અસુરને હાથે હણ્યો રે લોલ.
આવી નોરતાંની નવરાત્ર કે, મા ગરબે રમે રે લોલ.
માએ છૂટા મેહેલ્યા કેશ કે, ફૂદડી બહુ ફરે રે લોલ.
માજીએ સો સો સજ્યા શણગાર કે , રમિયાં રંગમાં રે લોલ.
ઓઢી અંબર કેરી જોડ કે, ચરણા ચૂંદડી રે લોલ.
માએ કરી કેસરને આડ કે, વચમાં ટીલડી રે લોલ.
સેંથે ભરિયો છે સિંદૂર કે, વેણ કાળી નાગણી રે લોલ.
માને દાંતે સોનાની રેખ કે, ટીલીની શોભા ઘણી રે લોલ.
પાયે ઝાંઝરનો ઝમકાર કે, વાગે ઘૂઘરા રે લોલ.
ચોસઠ બહેનો મળી છે ત્યાંય કે, શણગાર શોભા ઘણી રે લોલ.
આવું રૂડું ચૌટું ચાંપાનેર કે, વચમાં ચોક છે રે લોલ.
ગરબો ગાયે છે વલ્લભ કે, સેવક માનો રહી રે લોલ.
માજી આપજો અવિચળ વાણ કે, બુદ્ધિ છે નહીં રે લોલ.
Download This Lyrics