રામ સભામાં અમે રમવાને ગ્યાં’તાં,
પસલી ભરીને રસ પીધો રે..
હરિનો રસ પુરણ પાયો..
પહેલો પિયાલો મારા સદગુરૂએ પાયો જી,
બીજે પિયાલે રંગની રેલી રે..
ત્રીજો પિયાલો મારાં રોમે રામે વ્યાપ્યો,
ચોથે પિયાલે થઈ છું ઘેલી રે.. રામ સભામાં..
રસ બસ એક રૂપરસિયા સાથે,
વાત ન સુઝે બીજી વાટે રે..
મોટા જોગેશ્વર જેને સ્વપ્ને ન આવે,
તે મારા મંદિરીયામાં મ્હાલે રે.. રામ સભામાં..
અખંડ હેવાતણ મારા સદગુરૂએ દીધાં,
અખંડ સૌભાગી અમને કીધાં રે..
ભલે મળ્યા મહેતા નરસિંહના સ્વામી,
દાસી પરમ સુખ પામી રે.. રામ સભામાં..
Download This Lyrics