ધોવા દ્યો રઘુરાય,પ્રભુ મને શક પડ્યો મનમાંય,
તમારા પગ ધોવા દ્યો રઘુરાય જી.
રામ લક્ષ્મણ જાનકીજી, તીર ગંગાને જાયજી
નાવ માંગી નીર તરવા, ગુહ બોલ્યો ગમ ખાઈ..
પગ મને..
રજ તમારી કામણગારી, નાવ નારી થઈ જાયજી
તો તો અમારા રંક જનની, આજીવીકા ટળી જાય..
પગ મને..
જોઈ ચતુરાઈ ભીલ જનની, જાનકી મુસ્કાયજી
અભણ કેવું યાદ રાખે, ભણેલા ભૂલી જાય..
પગ મને..
દિન દયાળુ આ જગતમાં ગરજ કેવી ગણાયજી,
આપ જેવાને ઉભા રાખી પગ પખાળી જાયજી ..
પગ મને..
નાવડીમાં બાવડી ઝાલી રામની ભીલરાયજી
પાર ઉતરી પૂછીયું શી લેશો તમે ઉતરાઈ..
પગ મને..
નાવની ઉતરાઈ ના લઈએ આપણે ધંધાભાઈજી
‘કાગ’ કહે કદી ખારવો ના લીયે ખારવાની ઉતરાઈ..
પગ મને..
Download This Lyrics